તારે કામ કરવાની શી જરૂર છે?

 

  તારે કામ કરવાની શી જરૂર છે?

 

 

 

 તારે કામ કરવાની શી જરૂર છે? રોહને, રાધાને કહ્યું. હું કમાઉ છુ, એમાથી આપણું ઘર બરાબર ચાલે તો છે.

અરે મારો શોખ છે, જેને હું વ્યવસાયમાં ફેરવવા માંગુ છુ, તમારી પાસેથી માત્ર થોડી મદદની અપેક્ષા રાખું છુ. રાધાએ શાંત ચિતે કહ્યું.

 એ શકય નહી બને, રોહને કહ્યું.

 કેમ? રાધાએ પૂંછયું

બસ મે ના પાડી એટલે રોહને એકદમ ગુસ્સા સાથે કહ્યું.

 તું હું પણ કાલથી ઘરનું કામ નહી કરું, રાધાએ પણ ગુસ્સા સાથે કહ્યું.

 બંનેના ઝઘડાનો અવાજ, પાડોશમાં બેસીને આવેલા શાંતા-બા એ સાંભળી લીધો.

  બાને આવતા જોઈ, બંને ચૂપ થઈ ગયા.

 અરે શું થયું? આમ કેમ એકબીજા પર રાડો નાખો છો?

  આ ઘરનું કામ પડતું મૂકીને રાધાને બહાર કમાવવા જાવું છે. પણ હું તેને ના પાડી રહ્યો છુ.

 કેમ? બા એ પૂંછયું.

 અરે બા એ કમાવવા લાગશે, તો આ ઘરને અને છોકરાવને કોણ સંભાળશે?

કેમ તું મદદ ના કરી શકે? રાધાએ વચ્ચે બોલતા કહ્યું.

 ના ન કરી શકું, હવે કાઈ. રોહને રાડ નાખીને કહ્યું.

 અરે આ શું? આવી રીતે પ્રશ્નનો ઉકેલ લવાય? બાએ કહ્યું.

પણ બા એ સમજતી જ નથી, તો હું શું કરું? રોહને કહ્યું.

બા એ રાધા તરફ જોઈને પૂંછયું, તારે શું કામ કરવું છે? શું એ કામ બાળઉછેર અને ઘર સંભાળવા કરતા પણ જરૂરી છે?

 ના બા એવું નથી, હું કોલેજમાં હતી, ત્યારે મને ફેશન ડિઝાઇનનો  બહુ શોખ હતો, પણ પિતાજીની નબળી આર્થિક સ્થિતિને લીધે, હું એ શોખને વિકસાવી ના શકી. પણ હવે છોકરા મોટા થઈ ગયા છે, તો મે વિચાર્યું કે એ શોખને ડેવલપ કરી લઉં. અને પછી એકાદ મશીન લઈ, ઘરે બેઠા બેઠા કામ કરતી રહીશ. પરમ દિવસે આપણી બાજુમાં રહેતા કાજલબેને મારુ વર્ક જોયુ તો, કહ્યું કે તમારામા તો બહુ ટેલેન્ટ છે, અમારા ગ્રૂપ દ્વારા ફેશન ડિઝાઇનનો એક કોર્સ શરૂ કરેલ છે, તો તમે તેમાં જોડાઈ જાવ અને સાથે સાથે હું તમને વર્ક પણ અપાવી દઇશ.

  મે મંજૂરી લેવા માટે, રોહનને વાત કરી, તો એ વરસી પડ્યો.

રોહન, રાધાની વાત સાચી છે, એમાં તું આટલા બધા બરાડા શું પાડે છે?

 શું સાચી છે? માં એ આ બધુ કરશે તો ઘરનું કોણ કરશે? રોહને વળી પછી એની એજ વાત ઉપાડી.

કેમ થોડું કામ તું કરજે, થોડું હું કરીશ, અને હવે બંને બાળકો પણ મોટા થઈ ગયા છે, તો તેઓનું કામ તેઓ કરી લેશે.

 પણ બા તેને જરૂર શું છે? રોહને એકદમ ગુસ્સા સાથે કહ્યું.

 જરૂર નહી, પણ શોખને વિકસાવવો એ કઈ ખોટું નથી. રાધાએ વચ્ચે બોલતા કહ્યું.

 શોખ, શોખ, શોખ આ શું લપ લઈને બેસી ગઈ છો, અને બા તમારા કોઈ શોખ નહોતા, તમે તો આખી જિંદગી ઘરમાં કાઢી જ ને. પિતાજીએ તમને ક્યારેય બહાર જવા દીધા હતા ખરા? રોહને એટલી બધી જોરથી રાડો પાડીને કહ્યું કે ભાઈ-બહેન બંને નીચે આવી ગયા. રોહનનું આ રૌદ્ર સ્વરૂપ જોઈને બંને ગભરાઈ ગયા અને બા ના ખોળામાં લપાઈ ગયા.

  અરે બેટા, અમારા સમયમાં વાત કઈક અલગ હતી, અને અમારા શોખોને અવકાશ ના મળ્યો એટલે આ જનરેશનને પણ ના મળવો જોઈએ, એવું ક્યાય લખ્યું છે, બેટા. તારા પિતાજીના સંકુચિત વિચારોને જ શું તું આગળ લઈ જવા માંગે છે. તે તો ભણેલા નહોતા, પણ તું તો એમ.બી.એ. સુધી ભણેલો છુ. અને તારા વિચારો આવા!

 જનરેશન આગળ વધે, એમ નવા વિચારો પણ આગળ વધવા જોઈએ, દીકરા મારા, અમને મોકો મળ્યો હોત તો અમે પણ શોખને પણ જૂના વાસણોની જેમ  અભેરાઈ પરથી નીચે ઉતારીને સજાવ્યા હોત! પણ હવે જેને મોકો મળી રહ્યો છે, તેને શા કારણે રોકવા? તારા દીકરાને પણ તું ગલત રસ્તે દોરી રહ્યો છુ. એ પણ તારી જેમ સ્ત્રીઓને ઘરની બહાર ના નીકળવું જોઈએ એવા વિચારો સાથે ઉછરશે, તો સ્ત્રીઓ તો જ્યાં છે, ત્યાં જ રહી જશે, ટેલેન્ટ હોવા છતાં!

  બાકી તારી મરજી, એટલું કહી, આંખના ખૂણા લૂંછતા લૂંછતા બા પોતાના ઓરડામાં ચાલ્યા ગયા.

  બંને બાળકો અને રાધા પણ પોતપોતાના ઓરડામાં ચાલ્યા ગયા.

 હોલમાં રોહન એકલો બેસી રહ્યો અને વિચાર કરતાં કરતાં ત્યાં જ સૂઈ ગયો.

  સવારે તેની આંખો વહેલી ઉઘડી ગઈ. રાતના અંધારા જેવા નકારાત્મક વિચારો દૂર થઈ ગયા હતા. તેણે રાત્રે ખુલ્લી રહી ગયેલી બારીમાથી સૂર્યોદય જોયો.

 બેડરૂમમાં જઇ નાહી-ધોઈ તે બ્રેકફાસ્ટ માટે નીચે આવ્યો. ઘરના બધા જ ત્યાં હાજર હતા.

 આજે પહેલા ઈશ્વરને પગે લાગવાની જગ્યાએ તે બા પાસે ગયો અને પગે લાગીને સોરી કહ્યું. રાધા બહાર કમાવવા જશે, તો મારા પૈસાદાર મિત્રો મારી મજાક કરશે, એવું વિચારીને હું તેને આગળ વધતાં રોકી રહ્યો હતો.  નાનપણથી જ્યારે પણ હું રસ્તો ભટક્યો છુ, તે જ રસ્તો દેખાડ્યો છે અને આજે પણ તે જ, એટલું બોલીને તે રડી પડ્યો.

  બા એ તેની આંખોના આંસુ લુંછતાં લૂંછતા કહ્યું, બેટા કઈ વાંધો નહી, જાગ્યા ત્યારથી સવાર!

 રોહને રાધા પાસે જઈને પણ સોરી કહ્યું. આપણે આજે જ તારું ફોર્મ ભરી આવીશું.

ઘરમાં કાલ રાત્રે ખોવાઈ ગયેલો આનંદ હવે પાછો આવી ગયો હતો. બધાએ હસતાં હસતાં સાથે મળીને બ્રેકફાસ્ટ કર્યો.

 રાધા મનોમન શાંતા-બાને પુજી રહી.

 

 

Comments

Popular posts from this blog

શું જોઈએ છીએ?